ભોપાલ
ગેસ દુર્ધટનાની 31 મી વરસીના દિવસે આ વિનાશક ધટનાની યાદ ફરી એકવાર તાજી થઈ
છે. બીજી-ત્રીજી ડિસેમ્બર ૧૯૮૪ની રાત્રે જ્યારે તમામ લોકો ઊંધી રહ્યા હતા
ત્યારે યુનિયન કાર્બાઈડના જંતુનાશક પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થઈ ગયો
હતો અને મોટી સંખ્યામાં લોકોને પોતાના સંકંજામાં લઈ લીધા હતા. ભોપાલ ગેસ
દુર્ધટનાને ભોપાલ ડિઝાસ્ટર તરીકે પણ ગણવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી
ઓદ્યોગિક હોનારત તરીકે આને ગણવામાં આવે છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલા
યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડ પેસ્ટીસાઈડ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો
હતો. આના કારણે ૫૦૦૦૦૦ જેટલા લોકો ઝેરી ગેસના સંકંજામાં આવી ગયા હતા.
પ્લાન્ટની આસપાસ અને દુર સુધી આની અસર થઈ હતી અને એક પછી એક લોકોના મોત
થવા લાગ્યા હતા. સત્તાવાર રીતે મોતનો આંકડો ૨૫૫૯ મૂકવામાં આવ્યો હતો.
મધ્ય પ્રદેશ સરકારે ૩૭૮૭ લોકોના મોતને મોડેથી સમર્થન આપ્યું હતું. બે
સપ્તાહના ગાળામાં જ અન્ય ૮૦૦૦ લોકોના મોત થયા હતા. જ્યારે બીજા ૮૦૦૦
લોકોના મોત ગેસ સંબંધિત રોગના લીધે ત્યારબાદ થયા હતા. વર્ષ ૨૦૦૬માં સરકારે
એફીડેવીટ રજૂ કરી હતી જેમાં જણાવ્યું હતું કે ગેસ લીક થવાના પરિણામ
સ્વરૂપે ૫૫૮૧૨૫ લોકોને અસર થઈ હતી જેમાં ૩૯૦૦ જેટલા લોકો ગંભીર રીતે અથવા
તો કાયમી રીતે વિકલાંગ બની ગયા હતા. યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડ,
યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનની ભારતીય ગોણ કંપની હતી અને ભારત સરકારના અંકુશ
હેઠળની બેંકો અને જાહેર ક્ષેત્રની કંપની સાથે સમજૂતી હતી. ૧૯૮૪માં સુપ્રીમ
કોર્ટ યુસીઆઈએલમાં ૫૦.૯ ટકા હિસ્સાને વેચવા યુસીસીને મંજૂરી આપી હતી.