26 Jan 2014

સેલ્ફ ફાઈનાન્સ' સ્કૂલોને સરકારી ગ્રાન્ટ

  • વિદ્યાર્થીદીઠ આ વર્ષે ૭,૫૦૦, પછી દર વર્ષે ૫%નો વધારો મળશે
  • શરતોને આધીન ૧૦,૫૦૦ સ્કૂલોમાં ધો. ૯ -૧૦ માટે આર્થિક પેકેજ
  • સત્ર-ફી રૂ. ૧૦૦, પ્રવેશ-ફી રૂ. ૧૦૦ લેવાશે
ગાંધીનગર, તા. ૨૪
ગુજરાત સરકારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને ચોક્કસ શરતોને આધીન સરકારી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પ્રારંભિક તબક્કે ર્સ્વિનભર માધ્યમિક
શાળાઓને આવરી લેવાશે. નાણામંત્રીના અધ્યક્ષસ્થાને રચાયેલી શિક્ષણ
, મહેસૂલ, આયોજન એમ પાંચ મંત્રી અને અગ્રસચિવ, શિક્ષણની સમિતિએ ૭ મહિનામાં તૈયાર કરેલી ખાસ નવી નીતિને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે, તેનો અમલ જૂન-૨૦૧૪ના નવાં શૈક્ષણિક વર્ષથી થશે. શિક્ષણ વિભાગે કરેલા પરિપત્ર અનુસાર ચોક્કસ શરતોને આધીન ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનાં પરિણામને આધારે ધોરણ-૯ અને ૧૦ માટે સહાય મળશે. આ પેકેજમાં પહેલા વર્ષે વિદ્યાર્થીદીઠ રૂ. ૭,૫૦૦ અને પછીનાં ત્રણ વર્ષ સુધી દર વર્ષે તેમાં પાંચ ટકાનો વધારો મળશે ત્યારબાદ તેની સમીક્ષા કરીને સહાયની રકમમાં વધારે કરાશે. નવી નીતિથી અમદાવાદ શહેર-જિલ્લાની ૧,૪૦૦ સહિત રાજ્યભરની ૧૦,૫૦૦ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ફાયદો થશે, જોકે આ પ્રકારની સહાય લેનાર શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી સત્રદીઠ રૂ. ૧૦૦ અને પ્રવેશ ફી પેટે રૂ. ૧૦૦ લઈ શકશે, તે સિવાયની અન્ય કોઈ પણ ફી કે ડોનેશન માગી શકાશે નહીં.
''ચોક્કસ શરતોનો જો સંચાલકમંડળ કે સ્કૂલ દ્વારા ભંગ થશે તો તેની સામે આપેલી સહાય પરત ખેંચવાથી લઈને તેની વસૂલાત, દંડ અને અન્ય તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી પણ થશે, તેના માટે ખાસ આદર્શ આચારસંહિતા તૈયાર થઈ છે.''
- નિલેશ ત્રિવેદી, નાયબ સચિવ, શિક્ષણ વિભાગ
કઈ રીતે સ્કૂલને ગ્રાંટ ફાળવાશે ?
જે વિદ્યાર્થી ધોરણ-૯માં પ્રવેશ મળેવશે તેમનું બોર્ડનું ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ બે વર્ષે મળે, આથી બે વર્ષ દરમિયાન શાળાઓને એડહોક ધોરણે નીચે મુજબની એડવાન્સ સહાય મળશે એટલે કે પહેલા વર્ષે ધોરણ ૯માં પ્રેવશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યાને આધારે જુલાઈના અંત સુધીમાં ૪૦ ટકા એડવાન્સ રકમ મળશે, બાદમાં તે વિદ્યાર્થીઓની ઇન્ટરનલ પરીક્ષા બાદ નવેમ્બરમાં ૪૦ ટકા અને અને વિદ્યાર્થી ધોરણ-૧૦માં પ્રવેશ કરે ત્યારે આપવામાં આપશે.
આ શરતોને આધીન સહાય
૧. ટયૂશન અને પ્રાઇવેટ કોર્સનાં નામે કોઈ પણ ફી વસૂલી શકાશે નહીં.
૨. વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સાથેની વિગતો વેબસાઇટમાં મૂકવી પડશે.
૩. વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક પદ્ધતિ આપનાવવી પડશે.
૪. તમામ સ્ટાફ સરકારી પગાર કે લાભ મેળવવા હકદાર રહેશે નહીં.
૫. સ્ટાફ પરનું જે તે સંસ્થાનું નિયંત્રણ, સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ નહીં.
કોને શું ફાયદો ?
- સરકારને નવી શાળાઓ શરૂ કરવાનાં બજેટમાં રાહત થશે.
- સંચાલકને આર્થિક સહાય મળતા તેમના ખર્ચમાં કાપ મૂકાશે.
- વિસ્તારને ઓછી ફીમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો લાભ મળશે.
- વિદ્યાર્થીને તગડી ફીમાં રાહત માત્ર ટોકન ફીથી અભ્યાસ.
કઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને આર્થિક સહાય પેકેજ મળશે
- માધ્યમિક અને ઉચ્ચતર મા. શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત અને પાંચ વર્ષથી ચાલતી હોય તે સ્કૂલ.
- વર્ષ ૧૪-૧૫માં ધોરણ-૯ના બધા જ વર્ગોને આવરી લેવા, ત્યાર પછીથી ધોરણ-૧૦ને સમાવી લેવાશે.
- નિયમાનુસાર શૈક્ષણિક લાયકાત ધરાવતા અને વિષયવાર શિક્ષકો સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેવી સ્કૂલ.
- છેલ્લાં ત્રણ વર્ષમાં ધોરણ-૧૦નું બોર્ડનાં પરિણામનાં મૂલ્યાંકનને આધારે જેમાં
૧. રાજ્યના ૬૦ તાલુકાઓ કે જ્યાં ૫૦ ટકાથી ઓછી સાક્ષરતા છે ત્યાંની સ્કૂલો.
૨. મહાનગરપાલિકાના સ્લમ વિસ્તારોમાં બોર્ડનું પરિણામ ૬૦ ટકા હોવું જોઈએ.
૩. મહાનગરપાલિકાના અન્ય વિસ્તારમાં બોર્ડનું પરિણામ ૭૫ ટકા હોવું જોઈએ.
૪. રાજ્યના અન્ય તમામ વિસ્તારોની શાળામાં ૬૫ ટકા સુધી પરિણામ આવશ્યક.
 

Share This
Previous Post
Next Post