5 Mar 2013

હોવું અને ન હોવું મોહમ્મદ માંકડ

                                                            સુખ અને દુઃખ વિષેના આપણા ખ્યાલો કેવા પલટાઓ લેતા હોય છે , પરિસ્થિતિ તેમાં કેવો મહત્વનો ભાગ ભજવતી હોય છે અને માનવીનું મન કેવું અકળ હોય છે, સમજવા માટે મુલ્લા નસરુદ્દીનની નીચેની વાર્તા વાંચવા જેવી છે.
                                                            એક વાર મુલ્લા નસરુદ્દીને એક માણસને રસ્તાની બાજુમાં નિરાશ થઈને બેઠેલો જોયો. મુલ્લા તેની પાસે ગયા અને પૂછપરછ કરી. પેલા માણસે ગંભીર ચહેરે મુલ્લા સામે જોયું અને કહ્યું, ‘ભાઈ, આ જીવન માત્ર એક બોજો છે. મારી પાસે પૂરતા પૈસા છે, પરંતુ જીવનમાં મને ક્યાંય સુખ દેખાતું નથી. કોઈ વાતમાં મને રસ પડતો નથી. પ્રવાસે નીકળ્યો છું, એટલા માટે કે, કદાચ મને રસ પડે, પરંતુ હજી સુધી મને રસ પડે એવું કશું દેખાતું નથી.કશું જ બોલ્યા વિના નસરુદ્દીને તે પ્રવાસીની બાજુમાં પડેલ તેનો થેલો ઉપાડીને દોડવા માંડ્યું. રસ્તો તેમનો જાણીતો હતો અને સસલા જેવી ઝડપે મુલ્લા દોડતા હતા એટલે થોડી વારમાં તો ક્યાંના ક્યાં નીકળી ગયા. ખૂબ દૂર જઈને રસ્તાના એક વળાંક પાસે મુલ્લા અટક્યા. પેલો થેલો રસ્તા ઉપર મૂક્યો અને પોતે બાજુમાં કોઈક આડશ પાછળ સંતાઈ ગયા.
થોડી વાર પછી પેલો પ્રવાસી દોડતો પાછળ આવી પહોંચ્યો. સસલા પાછળ દોડતા કૂતરા જેમ એ દોડતો હતો. થાકી ગયો હતો. હાંફતો હતો. પણ દૂરથી રસ્તા ઉપર પડેલો પોતાનો થેલો જોતાં જ તે આનંદથી ઊછળી પડ્યો. ચિચિયારીઓ કરવા લાગ્યો અને થેલા પાસે પહોંચવા માટે વધારે ઝડપથી દોડવા લાગ્યો. આડાશ પાછળ છુપાઈ રહેલા મુલ્લાના હોઠ પર સ્મિત આવી ગયું, હવે એને સુખ દેખાયું ! આ નાનકડી કથા માનવીના મનની ઘણી અટપટી અને ઊંડી વાતો રજૂ કરે છે.
દુઃખ અને પીડા આપણા સૌના જીવનમાં હોય છે. નાનો કે મોટો, ગરીબ કે ધનવાન, ભાગ્યે જ કોઈ માનવી એવો હશે જેણે દુઃખ કે પીડાનો અનુભવ કર્યો ન હોય. અચાનક કંઈક વાગી બેસે કે શરીરમાં ગરબડ થઈ જાય, કોઈક કષ્ટદાયક બીમારી આવી પડે, મિત્ર કે સ્વજનનું મૃત્યુ થાય, ત્યારે જે પીડા થાય તે આપણે ભોગવવી જ પડે છે. એ વખતે આપણે સુખી હોવાનો દેખાવ કરી શકતા નથી અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તોપણ દુઃખને દબાવી શકતા નથી. કોઈએ સાચું કહ્યું છે કે, જગતમાં કોઈ તત્વજ્ઞાની એવો નથી થયો જેને દાઢનો દુખાવો થયો હોય છતાં કણસ્યો ન હોય. પરંતુ આવા દુઃખોની વાત જુદી છે. એની સામે આપણે સૌ લાચાર હોઈએ છીએ, લાઈલાજ હોઈએ છીએ. જેનો કોઈ ઈલાજ ન હોય તેને સહન કરી લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. બહુ બહુ તો એવા સમયે આપણે કણસી લઈએ છીએ, રડી લઈએ છીએ, ક્યારેક નિરાશ થઈ જઈએ છીએ. પરંતુ આપણાં બધાં જ દુઃખો કાંઈ આવાં નથી હોતાં. બધાં જ દુઃખો લાઈલાજ નથી હોતાં. બધાં જ દુઃખો સામે આપણે લાચાર નથી હોતા. બલકે, કેટલાંક દુઃખો તો ખરેખર દુઃખો જ નથી હોતાં. એમની કોઈ નક્કર હસ્તી જ નથી હોતી. એ તો માત્ર આપણા માનસિક વલણમાંથી અને પરિસ્થિતિમાંથી જ જન્મ્યાં હોય છે અને આવાં દુઃખોની સંખ્યા આપણાં નક્કર દુઃખો કરતાં અનેકગણી વધારે હોય છે.
અને ખરેખર હોય છે એ કરતાં પણ એ સંખ્યા આપણને વધારે લાગે છે. કારણ કે આપણું ધ્યાન હંમેશાં એના ઉપર જ કેન્દ્રિત રહે છે. આપણી પાસે જે હોય છે તેની ગણતરી આપણે ભાગ્યે જ કરીએ છીએ, પણ આપણી પાસે જે ન હોય તે સતત આપણને ખટક્યા કરે છે. મુલ્લા નસરુદ્દીનની વાર્તાનો આ જ મર્મ છે. પેલા પ્રવાસી પાસે ધનદોલત બધું જ હતું, પણ જિંદગીમાં એને રસ પડતો નહોતો. બીજી તરફ લાખો માણસો એવા હોય છે જેમની આખીયે જિંદગી રોટલો રળવામાં જ વીતી જાય છે અને રસ પડે એવું શોધવાની એમને કોઈ ફુરસદ કે અનુકૂળતા જ નથી હોતી. એક માણસને જિંદગી વિષે વિચારવાની પૂરી નવરાશ મળે છે એટલે જિંદગી એને નીરસ અને નકામી લાગે છે; બીજાને એવી નવરાશ જ નથી મળતી એટલે એ બોજારૂપ લાગે છે. એક માણસ એમ વિચારે છે કે જીવનમાં જો આનંદ ન હોય તો ભૌતિક સમૃદ્ધિનો અર્થ શું ? બીજો એમ વિચારે છે કે ભૌતિક સમૃદ્ધિ હોય તો જીવન આપોઆપ જ સાર્થ અને રસિક બની શકે. પરંતુ હકીકત જુદી જ હોય છે. માણસનું માનસિક વલણ એના સુખદુઃખની બાબતમાં બહુ મોટો ભાગ ભજવે છે, એટલું જ નહિ, ઘણી વાર તો સુખદુઃખ નક્કી કરવાનું કામ પણ એ જ કરે છે. હકીકત એકસરખી હોવા છતાં એક વ્યક્તિ માટે જે સુખ હોય તે બીજી વ્યક્તિ માટે દુઃખ બની જાય છે. તંદુરસ્ત માણસ માટે મિષ્ટાન્ન આનંદદાયક હોય છે, પરંતુ બીમાર માટે દુઃખદાયક હોય છે. જે ઋતુ પ્રેમીઓના મિલન માટે સુખકારક હોય છે એ જ ઋતુ વિરહીજનોને પીડાદાયક લાગે છે.
આમ માણસનું મન એનાં મોટા ભાગનાં સુખ અને દુઃખને જન્મ આપે છે. ભૌતિક સ્થિતિ એમાં ભાગ બિલકુલ નથી ભજવતી એવું નહિ, પણ માણસના સુખ કે દુઃખનો આધાર માત્ર ભૌતિક સ્થિતિ પર હોતો નથી. સંતાનનો જન્મ એક વ્યક્તિને પરમ સુખ આપે છે તો બીજી વ્યક્તિને મોટી મૂંઝવણ આપે છે. કરોડોની મિલકતનો માલિક વારસદાર માટે વલખાં મારે છે તો છ-સાત બાળકોનો પિતા નવું સંતાન જન્મતાં જ દુઃખના ભારથી દબાઈ જાય છે. અગાઉના સમયમાં જ્યારે દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ હતો ત્યારે કોઈક રાજપૂત કે આરબને ત્યાં દીકરીનો જન્મ તેનું કાળજું કાપી નાખતો હશે, પરંતુ એ જ દીકરીનો જન્મ બ્રહ્મદેશ જેવા માતૃમૂલક સમાજમાં કદાચ મોટા સુખનો અનુભવ કરાવતો હશે. મુલ્લા નસરુદ્દીનની વાર્તા આ વાતથી પણ એક ડગલું આગળ જાય છે. સુખ અને દુઃખ આપણા પોતાના માનસિક વલણ ઉપર હોય છે કે એમાંથી જ જન્મે છે, એટલું જ નહિ, કોઈક વસ્તુનું હોવું અને ન હોવું એ આપણા સુખ અને દુઃખની બાબતમાં બહુ મોટો ભાગ ભજવે છે. અરે, આપણું માનસિક વલણ સુધ્ધાં ફેરવી નાખે છે. જે વસ્તુ આપણી પાસે હોય છે જે સુખ આપણને પ્રાપ્ત હોય છે તેનો અભાવ જ્યાં સુધી ઊભો નથી થતો ત્યાં સુધી તેની કિંમત આપણને સમજાતી નથી. પ્રવાસી પાસે ઘણા પૈસા હતા, પણ એમાં એને કોઈ સુખ દેખાતું નહોતું. પરંતુ મુલ્લા જેવા એનો થેલો લઈને ભાગ્યા કે તરત જ એને એની કિંમતની ખબર પડી. પોતે પ્રવાસમાં હતો, એકલો હતો, પરદેશમાં હતો. થેલામાં રહેલી મૂડી જ એકમાત્ર આધાર હતો. એવી સ્થિતિમાં તરત જ એ કશો લાંબો વિચાર કર્યા વિના થેલો પાછો મેળવવા માટે મુલ્લાની પાછળ દોડ્યો. જે સુખ કે સમૃદ્ધિ આપણી પાસે હોય છે તેની કોઈ કદર આપણને હોતી નથી. પરંતુ એનો અભાવ ઊભો થાય છે ત્યારે જ તેની ખબર પડે છે.
આ બાબતમાં મુલ્લા નસરુદ્દીનની જ એક બીજી વાર્તા આપણે જોઈએ. એક વાર મુલ્લા સૂતા હતા. સ્વપ્નમાં એમણે જોયું કે, કોઈ એમને સોનામહોરો આપી રહ્યું હતું. એક પછી એક સોનામહોર એમના હાથમાં કોઈ મૂકતું હતું અને મુલ્લા તે ગણી રહ્યા હતા. આપનારે નવ સોનામહોરો આપી અને પછી આપવાનું બંધ કર્યું. મુલ્લા અકળાયા. એમણે જોરથી કહ્યું, ‘આમ ન ચાલે, મારે પૂરી દસ સોનામહોરો જોઈએ.પરંતુ પૂરી દસ સોનામહોરો જોઈએ, એમ જોરથી બોલતાં જ એમના પોતાના અવાજથી એમની આંખો ખૂલી ગઈ. એકાએક બધી જ સોનામહોરો અદશ્ય થઈ ગઈ છે એવું ભાન થતાં જ મુલ્લા ફરીથી આંખો મીંચી ગયા, અને બોલ્યા, ‘ઠીક, ભાઈ, નવ તો નવ. જે આપો એ ચાલશે.
માણસમાત્ર વધુ ને વધુ સુખસમૃદ્ધિ મેળવવા ઈચ્છે છે. પોતાની પાસે જે હોય છે તે માણવાના બદલે વધુ ને વધુ મેળવવાની ઝંખના સેવે છે, પરંતુ તેમ કરતાં જો પોતાની પાસે જે હોય તે ચાલ્યા જવાનો ડર લાગે તો તરત જ તેની કદર તેને સમજાય છે. જે પોતાને મળ્યું હોય છે, પોતાનું લાગતું હોય છે, તેને તે સ્વપ્નમાં પણ ગુમાવવા તૈયાર નથી હોતો. મુલ્લા નસરુદ્દીનની આ બીજી વાર્તા પહેલી વાર્તા જેવી જ ચોટદાર છે અને સુખસમૃદ્ધિ માટેની માનવીની ઈચ્છાઓને વધારે ઊંડી અભિવ્યક્તિ આપે છે.
સુખની શોધ એ માનવજીવનની એક સતત પ્રક્રિયા છે. પરંતુ એ સુખ ક્યાં છે, કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ છે, તે કદાચ, ચોક્કસપણે કોઈ જાણતું નથી, તેને પ્રાપ્ત કરવા કોઈ ધોરી માર્ગ પણ દેખાતો નથી. છતાં એક વાત નક્કી છે જો એ ક્યાંય હોય, કદાચ ક્યાંય હોય તો, માણસના મનના ખજાનામાં જ ક્યાંક હોઈ શકે છે. બહાર એને શોધવું મિથ્યા છે.
Share This
Previous Post
Next Post