Code

8 March 2016

આંતરરાષ્ટ્રીય મહિલા દિન - 8 March

સયુંક્ત રાષ્ટ્રસંઘ, (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં ગુજરાતમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. 

સ્ત્રીના સમર્પણને વંદન કરવાનો દિવસ દરેક રૂપે સ્ત્રીએ પુરૂષને ભરપુર પ્રેમ કર્યો છે.
સ્ત્રીનું સૌથી પહેલુ રૂપ છે ....દિકરી.
બાપનું દર્દ સમજનાર જો કોઇ હોય તો એ છે દિકરી. 'પપ્પા ભાઇને આગળ ભણવા મુકો હું તો અહિયાં જ કોલેજ કરી લઇશ' આટલા શબ્દો સાંભળતા જ લાખોના દેવામાં ડુબેલો બાપ જાણે કરોડપતિ હોય એવો આનંદ થાય. બાપની આંખમાંથી બહાર નિકળતું આંસુ દિકરાને દેખાય છે પણ દિકરીતો બહાર ન નિકળતા આંસુને પણ જોઇ શકે છે.

સ્ત્રીનું બીજુ રૂપ છે...... બહેન.
બહેનના રક્ષણની જવાબદારી ભલે ભાઇની હોય પણ સદાય બહેન જ ભાઇનું રક્ષણ કરતી આવી છે.ભાઇનો વાંક હોય ત્યારે પપ્પાના ગુસ્સા કે મારથી બચાવનારી ઢાલ બહેન જ હોય છે. પોતાના ભાઇ માટે સર્વસ્વ કુરબાન કરનારું સ્ત્રીનું આ રૂપ, ભાઇ હોય તે જ સમજી શકે.અરે ભાઇના લગ્ન થાય એટલે ઇચ્છા ન હોય તો પણ ભાભીના ભાઇ સાથે મુંગે મુંગી પરણીને ભાઇનો ગૃહસ્થાશ્રમ શરુ કરાવે છે.

સ્ત્રીનું ત્રીજુ રૂપ છે..... પત્નિ.
જાહેરમાં પત્નિને પનોતી કહીને મજાક કરતા પતિઓ થોડા દિવસ પિયર ગયેલી પત્નિની ગેરહાજરીમાં ઘરને અસ્તવ્યસ્ત થયેલું જોઇને જ મુંજાય જાય છે. કોઇ સાવ અજાણી વ્યક્તિ માટે પોતાનું બાળપણ અને યુવાની જ્યા વિતી હોય એ ઘર અને એ લોકોને એક ઝાટકે છોડનારી પત્નિના સમર્પણને આપણે શું કહીશું?

સ્ત્રીનું ચોથું રૂપ છે...... માતા.
સર્જનનું કામ પરમાત્માનું છે. સ્ત્રી ઉપર પ્રભુને પણ કેટલો વિશ્વાસ હશે કે ભગવાને પોતાનું સૌથી અગત્યનું કામ સ્ત્રીને સોંપ્યુ છે. 'મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી મોરી માત રે.....જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." આ બોટાદકરની કલમાંથી ટપકેલા શબ્દો નહી હદયમાંથી નીતરતા ભાવ છે.

સ્ત્રીનું પાંચમું રૂપ છે......... દાદી
નાની નાની વાર્તાઓ દ્વારા, પોતાના અનુભવોની વાતો દ્વારા નવી પેઢીને તૈયાર કરવાનું કામ દાદી કરે છે. દાદીને કોઇએ સારુ ખાવાનું આપ્યુ હોય અને ખાવાની બહું ઇચ્છા હોય ( વૃધ્ધાવસ્થામાં આવું ખાવાની બહું ઇચ્છા થાય છે) તો પણ પોતાના પૌત્ર- પૌત્રીઓ માટે સાચવીને રાખે છે.

હે શક્તિ સ્વરુપ મહિલાઓ આપે અમને સર્જ્યા, પોષ્યા, પાળ્યા અને ચાહ્યા. અમે આપનું ઋણ ક્યારેય ચુકવી શકીએ તેમ નથી. આપના પ્રેમને શત શત વંદન
વિશ્વ મહિલા દિવસ મુબારક હો

Video in Gujarati