9 Mar 2013

માનવીના જીવનમાં પૈસાનું સ્થાન-મોહમ્મદ માંકડ

  • પૈસો જીવનમાં મહત્વનો છે ખરો પણ એ સુખનો પર્યાય નથી
  • * માણસે પૈસા એટલા કમાવા જોઈએ કે એને કમાનાર જીરવી શકે ,એનો ઉપયોગ કરી શકે , એને કમાઈને માણવા માટેનો સમય એની પાસે બાકી રહે
  • * માણસે ધનસંચય પણ કરવો જોઈએ ,પણ એ ધનસંચય કરવામાં જ એની જીંદગી પૂરી ના થઇ જવી જોઈએ
  • *જેમ નિરોગી રહેવા માટે વ્યાયામ જરૂરી છે ,પરંતુ વ્યાયામ કર્યા પછી આરામ કરવો , સારો પૌષ્ટિક ખોરાક લેવો , આનંદમાં સમય પસાર કરવો એ પણ એટલું જ જરૂરી છે .દિવસ આખો માત્ર વ્યાયામ જ કર્યા કરવાથી તો ઉલટું નુકશાન જ થાય
  • * દરેક માણસે જરૂરી ધન કમાવું જ જોઈએ ….પૈસા જરૂરી છે , પરંતુ માત્ર ‘ જરૂરી ‘ જ છે .સારા ઘરમાં બાથરૂમ જરૂરી હોય છે , પરંતુ ડાઈનીંગરૂમ કે રસોડાની મધ્યમાં એનું સ્થાન ન હોઈ શકે
  • * જિંદગી જીવવા માટે પૈસા જરૂરી છે પરંતુ તેને જિંદગીના કેન્દ્રમાં ન મુકાય . જો મૂકીએ તો જિંદગીની આખી ઈમારત બગડી જાય
  • * આજે તો એવું બનવા માંડ્યું છે કે _
  • *પૈસા માટે માણસ પોતાની ટેક , વચન , કે કુટુંબ છોડવા પણ તૈયાર થઇ જાય છે
  • *અમેરિકામાં તો પૈસાને જ પ્રતિષ્ઠાનું – સ્ટેટસનું સિમ્બોલ ગણવામાં આવે છે
  • *આજે માણસને માપવાના તોલમાપ ફરી ગયા છે .માણસના ડહાપણને , સર્જકતાને ,ભલાઈને એના પૈસાથી માપવા માંડ્યા છે જે બરોબર નથી .ખરેખર તો પૈસાને વધુ મહત્વ અપાતાં ખોટો પૈસો પેદા થાય છે ….ખોટા માણસ પેદા થાય છે
તો મિત્રો , આપણે વધુ પડતા પૈસાના મોહમાંથી બચીશુંને ?


 

7 Mar 2013

જે ચાલે તે ઠોકર ખાય, પડી પણ જાય – મોહમ્મદ માંકડ

                             ઝાલાવાડના એક વખતના પ્રખ્યાત અને લોકપ્રિય રાજકારણી સ્વ. શ્રી ત્રંબકલાલ દવે વાતને સમજાવવા માટે ટુચકા, રમૂજ, ઓઠાં વગેરેનો ઉપયોગ કરતા. એમણે કહેલો એક ટુચકો : એક વાર નાના દીકરાએ જઈને પિતાને ફરિયાદ કરી કે, મોટાનો ચોપડો તમે જોયો છે ? ચોપડામાં ચેકભૂંસનો પાર નથી. ચોખ્ખાઈ તો મુદ્દલ નથી. નામું એમ લખાતું હશે ? બાપે દીકરાને કહ્યું : ‘હશે ભાઈ, સૌ સરખા ન હોય. તું કેવી રીતે લખે છે તારો ચોપડો મને બતાવ ને !’ નાનાએ હસીને કહ્યું : ‘મારો ચોપડો તો કોરો છે. હું એમાં કશું લખતો જ નથી.’ સ્વ. ત્રંબકભાઈ વાતને સમજાવતાં કહેતા કે, જે કામ કરે એની ટીકા થાય જ. ખરાબ કામ હોય તોય ટીકા થાય અને સારું કામ હોય તોય ટીકા થાય, પરંતુ ટીકાની બીકે કામ કરવાનું છોડી ન દેવાય.
                                                જીવનની કરુણતા એ છે કે, મોટા ભાગના માણસો ટીકા થવાની બીકે અથવા તો નિષ્ફળ જવાની બીકે કામ કરવાનું જ છોડી દે છે. માણસ તરીકેની શક્તિ ઓછી ન હોવા છતાં પોતાની શક્તિને કામે લગાડવાની જ એ આનાકાની કરે છે. ચોપડામાં ડાઘ પડશે એ ડરથી નામું જ લખતો નથી. મોટા ભાગના માણસો ઘરેડબંધ જીવવાનું પસંદ કરે છે, પરંતુ સાહસ કરીને નવું એક ડગલું પણ ભરતાં નથી કારણ કે, બીજાને નિષ્ફળ જતાં એમણે જોયા હોય છે. નિષ્ફળ ગયેલા માણસોની હાલત એમણે જોઈ હોય છે. નિષ્ફળ ગયેલા માણસોની ટીકા સાંભળી હોય છે અને પોતે પણ ટીકા કરી હોય છે. એટલે ટીકા અને નિષ્ફળતાનો એમને ડર લાગતો હોય છે.
                                                એક ભાઈ – આપણે તેમને કાંતિલાલ તરીકે ઓળખીશું. કાંતિલાલ ઘણી વાર કહે છે : ‘હું અને મણિલાલ એક જ ગામના. એક સાથે જ શેરીમાં રમ્યા. એક સાથે જ ભણવા બેઠા. એક સાથે જ મૅટ્રિક પાસ થયા. પછી મણિલાલ મુંબઈ ગયો અને હું દેશમાં રહ્યો. ભણવામાં તો મણિલાલ કરતાં હું ઘણો વધારે હોશિયાર હતો. કાયમ પહેલા બીજા નંબરે રહેતો હતો. પણ ભાગ્યની વાત છે ! આજે મણિલાલ કરોડપતિ છે, અને આપણે….!’ કાંતિલાલ હમણાં સિનિયર કલાર્ક તરીકે રિટાયર થયા છે. મણિલાલ મુંબઈ ગયા ત્યારે કાંતિલાલ મામલતદાર ઑફિસમાં કલાર્ક તરીકે જોડાયા હતા અને એ વખતે એ ઘણા ફુલાયા હતા. આજે એમને એમ થાય છે કે મણિલાલના બદલે, અથવા તો મણિલાલની જેમ, એ પણ મુંબઈ ગયા હોત, તો આજે કરોડપતિ હોત ! એમના મનમાં એ વાત ક્યારેય બેસતી નથી કે, માત્ર મુંબઈ જવાથી જ મણિલાલ કરોડપતિ બની ગયા નથી. અને ભણવામાં એ મણિલાલ કરતાં હોશિયાર હતા એટલે જીવનમાં પણ એ મણિલાલ કરતાં આગળ જ હોય એવું જીવનમાં બનતું નથી. તટસ્થ રીતે વિચાર કરીને માણસ ક્યારેય પોતાનું મૂલ્યાંકન કરતો નથી અને દરેક બાબતમાં એ પોતાની જાતને જ ચડિયાતી ગણે છે, પણ પોતાની જાતને ચડિયાતી બનાવી નહીં હોવાને કારણે એમણે હંમેશાં અફસોસ કરતા રહેવું પડે છે.
રમેશચંદ્ર અને હું સાથે શાળામાં પ્રાર્થના ગાતા હતા. એ વખતે અમારા સાહેબ મારા અવાજનાં વખાણ કરતા હતા. આજે રમેશચંદ્રને ગાયક તરીકે આટલી ખ્યાતિ મળી છે…. વિખ્યાત ચિત્રકાર… અને મેં, બંને જણાએ સાથે ડ્રોઈંગની ઈન્ટરમિડિયેટની પરીક્ષા આપેલી. એ વખતે મારા માર્કસ વધારે હતા….. ઉદ્યોગપતિ દેસાઈ મારે ત્યાં નોકરી કરતા હતા ! પરંતુ પછી તે છૂટા થયા અને પોતાની ફેકટરી કરી અને…. આપણા… મિનિસ્ટર મારા લંગોટિયા મિત્ર છે. એમને દાખલા હું ગણી આપતો હતો…… – આવી વ્યક્તિઓ આત્મશ્લાઘામાં રાચતી હોય છે અને પોતાને ચડિયાતી માનતી હોય છે. અને જીવનમાં જેઓ આગળ વધ્યા હોય છે એમના માટે ‘ભાગ્ય’ સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં ક્યારેય આવતો જ નથી. કોલંબસ કરતાં પોતાની જાતને તેઓ જરાય ઊતરતી માનતા નથી. પ્રામાણિકપણે તેઓ એમ માનતા હોય છે કે, પોતે જો વહાણ હંકારીને ગયા હોત તો પોતે પણ અમેરિકા ખંડ શોધી કાઢ્યો હોત ! એમની રીતે એમની વાત કદાચ ખોટી ન હોય તો પણ – સફરનું શું ? વહાણ હંકારવાનું શું ? સમુદ્રનાં તોફાનોનું શું ? એનાથી તો, માણસ ડરે છે ! અને માણસ સફર કરવાનું જ માંડી વાળે છે. અજાણી પરિસ્થિતિમાં પગ મૂકવાનું જ ટાળે છે.
                                                                        એક વખત સાહસ કરનારાઓ આપણને મૂર્ખ લાગતા હતા. આપણી સ્થિતિ આપણને વધારે સલામત અને સારી લાગતી હતી. આપણે કોઈ સાહસ કરવા તૈયાર જ નહોતા અને સાહસ કરનારાઓ ઉપર આપણે હસતા હતા. આજે જ્યારે બીજા લોકો એમની પ્રશંસા કરે છે ત્યારે આપણે એમની સાથે આપણી જાતને સરખાવીએ છીએ. એમના સાહસની આપણને ત્યારે પણ કદર નહોતી અને આજે પણ નથી. એમની સફળતા પાછળ રહેલા સાહસને જોવાની કોઈ દષ્ટિ જ આપણામાં હોતી નથી. દિવસે દિવસે આપણે વધુ ને વધુ સલામતી શોધી રહ્યા છીએ, અને એમાં કશું ખોટું નથી. પરંતુ સલામતી માણસમાં રહેલી સાહસવૃત્તિને દબાવી દે છે એ વાતનો સ્વીકાર પણ કરવો રહ્યો.
                        આજનો મોટા ભાગનો યુવાન વર્ગ નોકરી પાછળ દોડે છે, અને હવે તો પેકેજ સિસ્ટમ આવી ગઈ છે. કેટલીક યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી ડિગ્રી પ્રાપ્ત કરે કે તરત જ કોન્ટ્રેક સિસ્ટમથી નોકરી મળી જાય છે. આમ છતાં, સરકારી નોકરીમાં આજે પણ વધારે સલામતી છે એટલે યુવાનો સરકારી નોકરી વધારે પસંદ કરે છે. પરંતુ સલામતીવાળી નોકરી ચકડોળના ઘોડા ઉપરની સવારી છે. તેમાં ખાડા-ટેકરા ક્યારેય આવતા નથી. ગતિ સરસ રીતે જળવાઈ રહે છે. પડવાનો ડર બહુ ઓછો રહે છે પરંતુ જ્યારે નોકરીનું ચક્કર પૂરું થાય ત્યારે તેને ખબર પડે છે કે, તેણે જિંદગીમાં કોઈ અંતર કાપ્યું નથી. ચકડોળના ઘોડા ઉપરથી ઊતરે ત્યારે જ તેને પોતાની ખરી સ્થિતિનું જ્ઞાન થાય છે. આનો અર્થ એવો નથી કે નોકરી કરવી ખરાબ છે અને કોઈએ નોકરી કરવી જ નહીં. આનો અર્થ એટલો જ છે કે વધુ પડતી સલામતી ખરાબ છે. એવી સલામતી માણસની શક્તિઓને ખીલવા દેતી નથી. લડાઈમાં જવાનું જ હોય ત્યારે બખ્તર પહેરવું ખરાબ નથી, બલકે જરૂરી છે પરંતુ મહત્વની વાત બખ્તર નહીં લડાઈ છે. જીવનના સંઘર્ષમાં ઊતરનાર પોતાની સલામતી માટે બખ્તર પહેરે, આર્થિક-કૌટુંબિક સલામતી અંગે વિચાર કરે તે જરૂરી વાત છે પરંતુ જો સંઘર્ષ કરવાનો જ હોય તો બખ્તરની જરૂર જ શું છે ? સલામત સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી માણસ આગળ જવા ઈચ્છતો હોય, કશુંક પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો બરાબર, પણ સલામતીનું બખ્તર પહેરીને માત્ર બેસી જ રહેવા માગતો હોય તો એવું બખ્તર ખોટો બોજો ગણાય.
                                                                        માણસમાં અને બીજા પ્રાણીઓમાં એક તફાવત સાહસનો છે. હજારો-લાખો વર્ષથી જે પ્રાણી જે જાતનું જીવન જીવતું હોય છે એ જ જાતનું જીવન તે જીવ્યા કરે છે. કુદરત તેને ફરજ ન પાડે તો પોતાની જીવનરીતિમાં કોઈ ફેરફાર કરતું નથી. કાગડો ઊંચે માળો બાંધે છે અને તેતર જમીન પર માળો કરે છે. હજારો વર્ષથી એમ જ ચાલ્યા કરે છે. ખિસકોલી ઝાડ ઉપર રહે છે અને ઉંદર જમીનમાં દર બનાવે છે. કુદરત ફરજ ન પાડે ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા પ્રાણીને થતી નથી પરંતુ માણસની વાત જુદી છે. તે બરફમાં રહે છે. વિષુવવૃત્તનાં જંગલોમાં પણ રહે છે. પર્વતો ઉપર રહે છે. મેદાનોમાં રહે છે. વૃક્ષ ઉપર ઘર બનાવે છે અને હોડીઓમાં પણ સંસાર વસાવે છે. માણસમાં સાહસ છે. કશુંક નવું કરવાની વૃત્તિ છે. અજાણ્યાને જાણવાનું કુતૂહલ છે. એટલે જ તે માણસ છે. વાંદરો કેરી ખાય છે, પરંતુ કેરીનું અથાણું બનાવવાની, મુરબ્બો બનાવવાની, તેનો રસ કાઢવાની કે આઈસ્ક્રીમ બનાવવાની કોશિશ તે ક્યારેય કરતો નથી. આગથી તે ડરે છે, આગનો ઉપયોગ કરવાની કલ્પના પણ તે કરતો નથી. માણસ એવી હજારો લાખો વસ્તુઓ વિચારે છે, કારણ કે તેના સાહસિક વિચારોની કોઈ સીમા નથી. માણસનું બાળક ડગલું ભરે છે અને ચાલવાની કોશિશ કરે છે ત્યારથી જ આગળ જવાની વૃત્તિ એનામાં સતત જોર કરતી જાય છે. ઘરમાંથી બહાર ફળિયામાં, ફળિયામાંથી શેરીમાં, શેરીમાંથી પાદરમાં અને પાદરમાંથી વગડામાં કે બીજી કોઈક સ્થળે, કોઈક અજાણ્યા સ્થળે અણદીઠ ભૂમિમાં પહોંચવા માટે એનું મન તલસ્યા કરે છે. અને આ તલસાટ જ્યાં સુધી એનામાં રહે ત્યાં સુધી જ તે માનવી છે. એ તલસાટ ન રહે ત્યારે માત્ર માનવ-પ્રાણી છે.
                                                મોટી ઉંમરે ડાહ્યા ગણાતા માણસો ટીકા કે નિષ્ફળતાથી ગભરાઈને કામ કરવાનું જ ટાળે છે. પરંતુ ત્યારે તેમણે બચપણને યાદ કરવું જોઈએ કે બાળક તરીકે પહેલાં ડગલાં તેણે ભર્યા હશે ત્યારે કેટલી નિષ્ફળતાઓ મળી હશે ? કેટલી પછડાટ ખાધી હશે ? એવી પછડાટથી ગભરાઈ ગયા હોત તો તેઓ ચાલતાં કઈ રીતે શીખ્યા હોત ? જે ચાલે છે તે ક્યારેક તો ચોક્કસ પડે જ છે, પરંતુ પડી જવાની બીકે માણસ ચાલવાનું છોડી દેતો નથી. પોતાની નિષ્ફળતાઓમાંથી તે શીખે છે. બાળક જેમ જ તે ફરી ઊભો થાય છે, અને ફરી ફરીને ચાલવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એવું કરવાનું એ છોડી દે છે ત્યારે માણસ તરીકેના એના અસ્તિત્વનો અંત આવી જાય છે.
સલાહ આપવા માટે ઉતાવળા નહીં થવાની સલાહ
                          - મોહમ્મદ માંકડ
હમણાં એક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવેલો કે, "એવી કઈ વસ્તુ છે કે જે કીમતી (માનવામાં આવતી) હોવા છતાં માણસ એનો ઉપયોગ પોતાના માટે નથી કરતો અને બીજાને એ ઉદારતાથી આપી દે છે?"
એનો જવાબ છે : શિખામણ, સલાહ.
જોકે હવે તો શિખામણ કે સલાહ પણ સહેલાઈથી મળવાનું બંધ થવાનું છે, કારણ કે એના માટે ફી લઈને સલાહ આપનાર એક વ્યાવસાયિક વર્ગ જ તૈયાર થઈ રહ્યો છે.
આમ છતાં હજુ આપણે ત્યાં નાના-મોટા, ગરીબ-પૈસાદાર કે વિદ્વાનથી લઈને મૂર્ખ ગણાતી કોઈ પણ વ્યક્તિ પાસે જેની છત છે, છૂટ છે એ વસ્તુ સલાહ, શિખામણ છે. દરેક પાસે એનો ભંડાર ભરેલો છે અને બીજાને એ આપવા માટે તેઓ ઉત્સુક જ હોય છે.
શિખામણ આપવાનંુ કામકાજ એવું છે કે શિખામણ આપનારને ગૌરવ થાય. સલાહ આપનારને પોતે ડાહ્યા હોવાનો સંતોષ થાય છે. ગમે તેવાં મુશ્કેલ કામ માટે પણ સલાહ આપવાનું તો સહેલું જ હોય છે. સારું ગાઈ ન શકનાર કેવી રીતે ગાવું એની સલાહ આપી શકે છે. સારું લખી ન શકનાર સારું લખવા બાબતમાં સલાહ અને માર્ગદર્શન પૂરું પાડી શકે છે. નબળી અને નાજુક તબિયત ધરાવનાર પણ તંદુરસ્ત વ્યક્તિને એની તબિયત માટે સલાહ આપી શકે છે.
અને આરોગ્ય બાબતમાં સલાહ આપનારો વર્ગ તો બીજા કોઈ પણ ક્ષેત્રમાં સલાહ આપનાર વર્ગ કરતાં આપણે ત્યાં ઘણો મોટો છે. આરોગ્ય બાબતમાં સલાહ આપનારનો ક્યારેય તૂટો પડે એવું નથી. કોઈને શરદી થઈ હોય કે ટાઇફોઇડ થયો હોય ડોસા-ડોસીથી લઈને યુવાન, પ્રૌઢ, સ્ત્રી-પુરુષ બધાં જ નિષ્ણાતની જેમ સલાહ આપવા માંડે છે ને કેટલીક વાર તો નિષ્ણાત ડોક્ટરની દવા નકામી છે અને ઘરગથ્થુ ઉપચારો જ આવા રોગમાં ઉપયોગી નીવડે છે એમ કહીને લોકો સલાહ આપવાનું શરૃ કરે છે, "બધું મૂકીને એક કામ કરો, સવાર-સાંજ અજમો ફાકો, નાસ લો, આદુંનો રસ લો, લીંબુ પીઓ, તમારે છાશ બહુ સારી, હરડે ત્રિફળા ચૂર્ણ જેવું તો બીજું એકેય અકસીર નથી." આરોગ્ય બાબતમાં આપણે ત્યાં આવી અનેક ચાલતી-ફરતી યુનિર્વિસટીઓ જેવા સલાહકારો હોય છે અને આવા જ્ઞાાની, અનુભવીઓને સલાહ આપવા માટે ક્યારેય ર્સિટફિકેટની જરૃર પડતી નથી.
એક ભાઈને પગે ખરજવું થયું હતું. એના અનેક ઉપચારો કરીને એ કંટાળ્યા. કોઈએ સલાહ આપી એલોપથીમાં એનો કોઈ ઇલાજ જ નથી. તમે કોઈ સારા વૈદ્યની દવા લો. એ ભાઈ સીધા એક વૈદ્યરાજ પાસે ગયા. વૈદ્યરાજે એક સંસ્કૃત શ્લોક ટાંકીને કહ્યું કે, "ચામડીનાં દર્દો ઉપર લીમડો અકસીર છે. સવાર-સાંજ લીમડાનો રસ પીઓ." પેલા ભાઈએ ઉપચાર શરૃ કર્યાે. ત્રીજા દિવસે એમનું મોં સૂઝીને માટલા જેવું થઈ ગયું.
હવે આમાં લીમડાનો દોષ હોઈ શકે જ નહીં, કારણ કે એલોપથીની દવાઓનું રિએક્શન આવે છે, પરંતુ આયુર્વેદની દવાઓનું રિએક્શન આવી શકતું જ નથી. જે કંઈ દોષ હતો એ પેલા ભાઈના શરીરનો હતો.
માત્ર આપણે ત્યાં જ આરોગ્ય કે બીજી કોઈ બાબતમાં શિખામણના 'બે શબ્દો' કહેવાવાળા છે એવું નથી, દુનિયાભરમાં એ ફેલાયેલા છે. અમેરિકાના જાણીતા હાસ્યલેખક આર્ટ બુકવાલ્ડે શિખામણ આપવાની બાબત ઉપર એક કટાક્ષ લેખ લખ્યો છે. એનો સાર આવો છે.
લેખકને એક વાર શરદી થઈ ગઈ. છીંક, ઉધરસ, નાક ગળવાનું ચાલુ થઈ ગયું. લેખકે એમની સેક્રેટરીને ફોન કર્યો કે તબિયત બરાબર નથી. ઓફિસે આવીશ નહીં શકાય.
"આજકાલ શરદીના વાયરા છે." સેક્રેટરીએ કહ્યું, "આપને ચોક્કસ આઠ કલાકવાળી શરદી ચોંટી છે."
લેખકને સેક્રેટરીની વાત સાચી લાગી. આઠ કલાકનો આરામ લેવાનું એમણે નક્કી કર્યું.
ત્યાં એમનાં બહેન મળવા આવ્યાં.
"આજકાલ શરદીના વાયરા છે, હું એની ઝપટમાં આવી ગયો છું. આઠ કલાક આરામ કરવો પડશે."
"તમને ખાતરી છે કે આ આઠ કલાકવાળી શરદી છે? કદાચ ચોવીસ કલાકવાળી પણ હોઈ શકે. હેરોલ્ડને ગયા અઠવાડિયે એવી જ શરદી થઈ હતી. તાવ છે?"
"થોડોક લાગે છે?"
"ત્યારે તો ચોવીસ કલાકની બલા વળગી! પ્રવાહી વધારે પ્રમાણમાં લીધા કરો અને એસ્પિરિન લો, મટી જશે."
લેખકની ઇચ્છા ચોવીસ કલાક પથારીમાં પડયા રહેવાની નહોતી, પરંતુ ચોવીસ કલાકની વળગેલી શરદી સામે બીજો કોઈ ઉપાય નહોતો.
દસ મિનિટ પછી બીજી બહેન આવી. "એડિથે મને કહ્યું કે તમને ચોવીસ કલાકવાળી શરદી ચોંટી છે."
"કદાચ હોય, કદાચ આઠ કલાકના આરામથી મટી પણ જાય."
"નાક છીંકવાથી લાલ થઈ ગયું છે?"
"હા. કેમ?"
"જો એવું હોય તો તમને અડતાલીસ કલાકવાળી વાયરસથી થતી શરદી વળગી છે."
"પણ મારી સેક્રેટરીએ તો આઠ કલાક..."
"આઠ કલાકની શરદી એ જુદી વસ્તુ છે, એમાં નાક લાલઘૂમ ન થઈ જાય. ચોવીસ કલાકવાળી શરદી આમ તો આઠ કલાકવાળી શરદી જેવી જ હોય, પણ એમાં ઉધરસ વધારે આવે. વાયરસથી થતી અડતાલીસ કલાકવાળી શરદીમાં છીંકો આવે, કફ થાય, પરસેવો વળે. હવે બે દિવસ પથારીમાંથી ઊઠશો જ નહીં."
"પણ હું બે દિવસ પથારીમાં રહી જ ન શકું."
"જુઓ, તમારે સાચી સલાહ માનવી જ ન હોય તો હવે પછી મને ક્યારેય પૂછશો જ નહીં."
મામલો ત્યાં જ અટકી ગયો હોત અને બે દિવસના આરામથી વાત પૂરી થઈ ગઈ હોત, પણ પેલી સેક્રેટરીએ લેખકના મિત્ર હીલીને વાત કરી કે લેખકને ફ્લૂ થવાથી લેખક ઓફિસે આવેલા નથી.
હીલીએ તરત જ ફોન કર્યો, "દોસ્ત, મને તારી ઘણી ચિંતા થાય છે. હવે બે અઠવાડિયાં સુધી તું ઊઠી નહીં શકે. આવી શરદી પાનખરમાં થઈ હોત તો છ દિવસમાં તું સાજો થઈ ગયો હોત, પણ આ શિયાળો છે અને શિયાળાની શરદી એમ જલદીથી મટતી નથી. ક્યારેક તો મહિનાઓ નીકળી જાય છે."
"પણ... ચોવીસ કલાકમાં મારી શરદી મટી જાય તો?"
તો તે ખતરનાક કહેવાય! માણસને એમ લાગે કે મારી શરદી મટી ગઈ, પણ એકાદ અઠવાડિયામાં તો એ વધુ જોરથી ત્રાટકે.
વાતને ફેલાતાં કંઈ વાર લાગે છે? બીજા મિત્ર એલ્ફિનનો ફોન આવ્યો- ટૂંકો અને મુદ્દાસર, "હીલીએ મને વાત કરી કે તને અસાધ્ય ન્યુમોનિયા થયો છે!"
આમ, એક સામાન્ય વાત ગમે ત્યાં સુધી પહોંચી શકે છે અને એ બાબતમાં સલાહ, શિખામણ આપવાવાળા પોતાની મરજીમાં આવે એવી સલાહ આપી છૂટે છે. એમને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ થાય છે- માનવું ન માનવું તમારી ઇચ્છા.
વ્યક્તિ બીમાર પડી હોય અને શિખામણ કે સલાહ સાંભળવામાંથી બચી ગઈ હોય એવા દાખલા બહુ ઓછા જોવા મળશે. સલાહ બાબતમાં કોઈકે લખ્યું છે કે વૃદ્ધાવસ્થામાં પોતાનાં સંતાનોની સલાહ સાંભળવી પડે એ વૃદ્ધો માટે સૌથી દુઃખદ ઘટના છે. યુવાન સલાહ આપનારે ખાસ ધ્યાન રાખવું કે વૃદ્ધો પાસે સલાહ આપવા જેવું ઘણું હોય છે એટલે એમને સલાહ આપવી નહીં.
વણમાગી સલાહ બધાને કડવી લાગે છે, એટલે માગ્યા વિના ક્યારેય સલાહ આપવી નહીં.
અને ક્યારેક તો માગ્યા પછી આપી હોય તોપણ હવેના જમાનામાં ઊલટું પડી શકે છે.
"તમારી સલાહ પ્રમાણે વકીલ રોક્યા, પણ એમણે બરાબર દલીલ જ ન કરી. ઓળખાણવાળા વકીલો જ બેદરકારી રાખે પછી કરવાનું શું?"
"તમારી સલાહ મુજબ જ પ્રવાસ ગોઠવ્યો હતો, પણ પ્રવાસ કંપનીએ તમારું જરાય માન ન જાળવ્યું."
એટલે જો તમને સલાહ આપવાની ટેવ હોય તોપણ બીજાનું ભલું કરવા માટે ઉત્સુકતાપૂર્વક એમાં કૂદી ન પડશો, આવી મારી સલાહ છે!