1 May 2014


  ગુજરાતના 54 મા સ્થાપના દિને અભિનંદન


આપણા લાડિલા ગુજરાતે મે ૧,૧૯૬૦ના મંગલ પ્રભાતે દ્વિભાષી  મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.
આ સ્થાપના દિન બાદ ગુજરાત રાજ્ય
એની ભાતીગર યાત્રાના 53 વર્ષ પૂરાં કરી,મેં ૧,2014 ના દિવસે 54માં વર્ષમાં જાહોજલાલી સાથે,જોર-જોશથી મંગળ પ્રવેશ કરે છે.આ શુભ પ્રસંગે ગુજરાતને,ગુજરાત સરકારના વહીવટ કર્તાઓને તેમ જ દેશ અને પરદેશમાં રહેતા દરેક ગરવા ગુજરાતી ભાઇ-બહેનોને અભિનંદન અને અભિવાદન છે.ખમીરવંતી વિશ્વગુર્જરીને ખુબ ખુબ શુભેચ્છાઓ .આ દિવસે આપણે ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે જ નહીં,પણ વિશ્વમાં ગુજરાતની પ્રભુતાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે કટીબદ્ધ થવાનો દ્રઢ સંકલ્પ કરીએ અને જય જય ગરવી ગુજરાત ,દીપે અરુણું પ્રભાત,  કવિ નર્મદના પ્રખ્યાત ગીતને સાર્થક કરીએ.  
ઇ.સ.૧૯૬૦માં મે મહિનામાં મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી અને ગુજરાતમાં ભેખધારી ઈન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી નીચે ચલાવાયેલ મહાગુજરાતના આંદોલનમાં અનેક યુવાન શહીદોની અમુલ્ય જિંદગીના બલિદાન પછી,અંતે બૃહદ મુંબઇ રાજ્યનું ભાષાના આધારે વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી.ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત,સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો.આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી.ત્યારબાદ૧૯૭૦માં ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ ધરાવતા નવા બનાવાયેલ શહેર ગાંધીનગરમાં  રાજધાની ખસેડવામાં આવી હતી.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે,મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ .ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને એક અવિભાજ્ય દેશનું સર્જન કરીને દેશની  ખુબ જ મોટી સેવા બજાવી છે ,જેના માટે ઋણી દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.
ગુજરાતે વિશ્વના બે પડોશી દેશોને રષ્ટ્રપિતા આપ્યા છે.ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા . બન્ને વ્યક્તિ સૌરાષ્ટ્રની દેન છે.ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન ,વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક અને બીજા અનેક દેશભક્તો અને ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે.
ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે .એની માથાદીઠ સરેરાશ આવક-જીડીપી  ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે.ગુજરાતના સદનસીબે એના સુકાની પદે છેલ્લા દશ વર્ષથી શ્રી નરેન્દ્ર મોદી જેવા પ્રમાણિક અને લોકપ્રિય મુખ્યમંત્રીના કાર્યદક્ષ વહીવટમાં ગુજરાતે ઘણી પ્રગતી સાધી છે.ગુજરાતે દેશના સર્વોચ્ચ વિકાસશીલ રાજ્ય તરીકે પોતાની નામના મેળવી છે.આજે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે દેશ અને પરદેશના મૂડી રોકાણકારોમાં જાણે કે હરીફાઈ થઇ રહી છે.
ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ ગુજરાતીઓ ઉપરાંત મનીમાઈન્ડેડ તરીકે જાણીતા અનેક સાહસિક ગુજરાતીઓ પૈસા કમાવા અને બહેતર જીવનની ખોજ માટે વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયા છે, તેમાંય પરદેશ જવા માટે ગુજરાતીઓનો સૌથી પસંદગીનો દેશ જો હોય તો એ છે અમેરિકા.જગતની સૌથી વધુ બોલાતી ૩૦ ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છે.
_______________________________________________
ખમીરવંતી વિશ્વ જાતી, ગુજરાતી (લેખ)      લેખક વિનોદ આર. પટેલ
ગુજરાત રાજ્યના ૫૧મા જન્મદીવસના મંગલ અવસર વખતે લખેલ અને અમદાવાદથી પ્રસિદ્ધ થતા ધરતી માસિકમાં જુન ૨૦૧૧ના અંકમાં પ્રગટ થયેલ મારો ઉપરના શિર્ષક વાળો લેખ વાંચવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે.

જય જય ગરવી ગુજરાત,દીપે અરુણું પ્રભાત(ગીત)  આદ્ય કવિ નર્મદ
ચાલો, આપણે ગુજરાતનો આ સ્થાપના દિવસ ઉજવીએ, ગુજરાતની સાચી ઓળખ વિષે પ્રથમ વિચાર વ્યક્ત કરનાર અને ગુજરાતની અસ્મિતાને રજુ કરતી સુંદર કાવ્ય રચના આપનાર આદ્ય કવિ નર્મદના જય જય ગરવી ગુજરાત નામના  પ્રસિદ્ધ કાવ્યના  ગાનથી.
આ સુંદર ગીતને  ગુજરાતના લોકપ્રિય ગાયકોના મધુર કંઠે અને સુમધુર સગીતના સાથમાં ગવાતું યુ-ટ્યુબના નીચેના વિડીયોમાં સાંભળો અને સાથે સાથે ગુજરાતનાં પ્રસિદ્ધ જોવા લાયક સ્થળોને પણ નિહાળો. 
http://www.youtube.com/v/I-Ys6urpaMQ?version=3&feature=player_embedded
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
આદ્ય કવિ નર્મદ
_____________________________________
બોલીવુડ અને વિશ્વમાં અનેક એવોર્ડોથી સન્માનિત જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનના સુર અને સંગીતમાં ગવાયેલા એમના સ્વ રચિત ગીત-
જય જય જય જય ગરવી ગુજરાત
મારા દિલમાં ધડકે ગુજરાત ,મારા દેશનું ઘરેણું ગુજરાત-એ.આર.રહેમાનના   
ગીતને રજુ કરતો નીચેની લીંક ઉપર યુ-ટ્યુબના સુંદર વિડીયોમાં ગુજરાતની ખમીરવંતી પ્રજા અને ગુજરાતના મનોહર દ્રશ્યો નિહાળીને કશિશ અનુભવો.    

Share This
Previous Post
Next Post