જોડકણા

વાઘ કેરી હું છું માસી
ઘરના ખુણે રહેતી બેસી,
ઉંદર જાય જો ઘરમાં પેસી
કરતી તેની ઐસી તૈસી ~ બિલાડી
 
:~> કાળો છું રે કાળો છું
કા..... કા.... કરતો ઉડું છું,
એક આંખે કાણો છું
ને સફાઇનું કામ કરુ છું. ~ કાગડો
 
:~> હૂપ....હૂપ... કરતો હું આવ્યો
ડાળી, મકાન કૂદતો આવ્યો,
મગન કાકાનો રોટલો લાવ્યો,
એ તો મને જરી ના ભાવ્યો. ~ વાંદરો
 
:~> મોતીયો, ડાગીયો મારુ નામ
રહેઠાણ મારુ આખું ગામ,
રક્ષણ કરવું મારુ કામ
તોય માંગું ના એકે દામ. ~ કૂતરો
 
:~> હું તો કરતો ચૂં....ચૂં...ચૂં...
નામ છે મારુ શું...શું...શું...
ભાળી જાઉં મીની માસી
થઇ જાતો હું છું...છું...છું... ~ ઉંદર
 
:~> પોચું પોચું ધોળું ધોળું
આમ દોડું તેમ દોડું,
જો કોઇને આવતાં ભાળું
ચાર પગે દોટ કાઢું ~ સસલું
 
:~> આંખ છે પણ આંધળી છું,
પગ છે પણ લંગડી છું,
મોઢું છે પણ મૌન છું,
બોલો, હું કોણ છું ? ~ ઢીંગલી
 
:~> ચાંપ દબાવો જગ ઢંઢોળે,
'ઉંદર' સંગે બારીઓ ખોલે,
તમે ભલે માનો ન માનો,
આવ્યો છે એનો જ જમાનો. ~ કમ્પ્યુટર
 
:~> કોલસે સળગતી એને દીઠી,
ચોમાસે લાગે તે મીઠી,
એની છે અનેરી વાત,
દેખાવે લાગે તે દાંત. ~ મકાઇ
 
:~> નર બત્રીસ અને એક છે નારી,
જુઓ જગતમાં છે બધે સૌની પ્યારી,
કહો કરીએ મનમાં પુરો વિચાર,
મરે પહેલા નર અને જીવે નાર. ~ જીભ
 
:~> હાથમાં એ તો લાગે નાનો,
પણ દુનિયાનો તે ખજાનો,
હોય પાસે તો વટ પડે,
વારંવાર 'હલો' તે કહે. ~ મોબાઇલ
 
:~> મારે ટોડલે બેસે છે,
ટેહુંક ટેહુંક કરતો ભાઇ,
ઠૂમક...ઠૂમક.કળા કરે,
કલગીવાળો એ છે ભાઇ. ~ મોર
 
:~> કલબલ એ તો કરતી જાય,
ઠૂમકા મારે એ તો ભાઇ,
ચાલે એ તો ધીમી ચાલ,
નાના પરીવારની એ જાત. ~ કાબર
 
:~> રંગે એ તો કાળી છે,
બોલી સુમધુર એની ભાઇ,
કાગડાની તો દુશ્મન એ,
કુઉ..કુઉ..બોલે એ તો ભાઇ. ~ કોયલ
 
:~> એક પગે રામનામ જપે,
જગ એને ઠગ ભગત કહે,
નદી સરોવરે માછલી પકડે,
રંગે ધોળા એ છે ભાઇ. ~ બગલો
 
:~> ભલું ને એ છે ભોળું,
શાંતિદુત બનતું એ તો ભાઇ,
ઘૂ.....ઘૂ....ઘૂ....કરતું એ,
સંદેશા વાહક બનતુ એ તો. ~ કબૂતર
 
:~> લુચ્ચો ને છે કાળો,
કા...કા... બોલીવાળો,
એંઠવાડ એ તો સાફ કરે,
શ્રાદ્ધમાં એ હર ઘરે ફરે. ~ કાગડો
 
:~> પરોઢિયે એ તો બોલે છે,
સર્વેની નિદ્રા ભગાડે ભાઇ,
માથે એને કલગી સુંદર,
કૂકડે કૂક એ બોલતો ભાઇ. ~ કૂકડો
 
:~> ગળે કાંઠલો કાળો છે,
બહું રંગે એ લીલો છે ભાઇ,
લાલ ચાંચવાળો છે,
મરચાં એ બહું ખાય છે ભાઇ. ~ પોપટ
 
:~> ટહુકતી એ આંબા ડાળે,
બચ્ચાં ઉછેરતી કાગના માળે,
કાળા રંગે બહું કામણગારી,
મીઠાં ગીત ગાતી અલગારી. ~ કોયલ