14 Jan 2019

મકરસંક્રાંતિ પર્વ- પતંગોત્સવ | ઉત્તરાયણ | Makarsankranti Festival

આ દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ખાવાનું પણ ધાબે ને પતંગની મજા માણવાની પણ ધાબે ! વળી, ઊંધિયાની સિઝન જામી હોય એટલે સોનામાં સુગંધ ભળે ! ટૂંકમાં આખા વર્ષનો અત્યંત લોકપ્રિય અને બાળકો માટેનો સર્વોત્તમ દિન એટલે ઉત્તરાયણ!ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વના તહેવારોમાંનો એક છે. આ એક હળી મળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. દાનનો મહિમા : આ પર્વ દાન પુણ્યનું પર્વ છે. 
મકરસંક્રાંતિને ગુજરાતમાં  પર્વ તરીકે ઊજવાય છે.આ દિવસ નાના મોટા તમામને અતિ પ્રિય છે. ગુજરાતમાં તથા સમગ્ર દેશમાં આ પર્વને મોક્ષ પર્વ કહેવાય છે કારણ કે આ દિવસે ભીષ્મ પિતામહે પોતાના દેહને ઉર્ધ્વ ગતિ આપીને મોક્ષ મેળવ્યો હતો. કુદરતમાં થતા ફેરફારને અહીં સમાજજીવન સાથે ગૂંથી લેવામાં આવ્યો છે. આ તહેવાર પ્રતિ વર્ષ પોષ મહિનામાં એટલે કે ૧૪મી જાન્યુઆરીના દિવસે ઊજવાય છે. મકર સંક્રાંતિને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિ એ વિજયનો તહેવાર છે. આ દિવસથી દિવસો મોટા થવા લાગે છે ને રાત્રિઓ નાની થવા લાગે છે. તે દિવસથી સૂર્યદેવ દક્ષિણનાં બંધનમાંથી મુક્ત થઈ ઉત્તર તરફ આવે છે. મકરસંક્રાંતિ એટલે આ મુક્તિનો આનંદ. બીજી દૃષ્ટિએ જોઈએ તો મકરસંક્રાંતિ એટલે આબાલવૃદ્ધ સૌની પતંગો સાથેની દોસ્તી. સૌ ધર્મના લોકો પતંગોત્સવને પોત પોતાની રીતે ઊજવે છે. અરુણોદય થતાં પહેલાં તો આકાશ નાના મોટા રંગબેરંગી પતંગોથી ઊભરાઈ જાય છે. 
લોકો ઘેર માગવા આવતા બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આપે છે. ભાવિક હિંદુ ધર્મ પ્રેમીઓ આ દિવસે ગાયોને ઘાસ પૂળા ખવડાવે છે. ગરીબોને દાન અપાય છે. ઘણા ભાવિકો એ દિવસે પ્રયાગ જેવાં પવિત્ર સ્થળોએ જઈ સ્નાન કરી પવિત્ર થાય છે. લોકો જૂની વાતો ભૂલી જઈ એકબીજાને તલ સાંકળી આપીને નવા સ્નેહ સંબંધો ખીલવવાની પ્રતિજ્ઞા લે છે. તલ સાંકળી, શેરડી, જામફળ, શિંગોડાં વગેરેની લહાણી કરવી અને એ રીતે બાળકોને ખુશ કરવાં એ પણ આ દિવસની એક વિશિષ્ટતા છે. આ દિવસે તલના લાડુમાં પૈસો મૂકીને અપાય છે. એમાં ગુપ્ત દાનનો મહિમા સમાયો છે. મકરસંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય, પરિવર્તનનો, જૂનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ભારતનાં અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે. મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ,ખાસ તો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.•

Share This
Previous Post
Next Post