23 Dec 2013

પ્રાર્થનાની તાકાત,

હે ભગવાન ! તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે

એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં
હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી કૉંફરંસ હતી જેના માટે ડૉ. એહમદ ખૂબ જ ઉત્સુક હતા. એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો. છેલ્લા ઘણાં વરસોથી એમણે દિવસરાત જોયા વગર સંશોધનનું કામ કર્યું હતું. એ બધી મહેનત આખરે ફળી હતી અને એના ફળસ્વરૂપે તેઓ એ એવોર્ડના હકદાર બન્યા હતા. દૉક્ટરને મનોમન ભારે રોમાંચ થઈ રહ્યો હતો. ક્યારે એ શહેરમાં પહોંચી જવાય એની તાલાવેલી એમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ લેતા હતા. થોડી થોડીવારે એમનું મન કૉંફરંસના વિચારોમાં જ લાગી જતું હતું. બસ ! હવે ફક્ત બે જ કલાક ! અને પછી ત્યાં !એવો વિચાર પણ એમના મનમાં ઝબકી જતો હતો.
પરંતુ એ જ વખતે અચાનક જ વિમાનના પાઇલટે જાહેરાત કરી કે વિમાનના એંજિનમાં ગંભીર તકલીફ ઊભી થવાના કારણે એમણે નજીકના કોઈપણ એરપૉર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડશે ! ડૉક્ટરના મનમાં ફાળ પડી. સમયસર કૉંફરંસમાં નહીં પહોંચી શકાય એવી ચિંતા પણ એમને થઈ આવી. પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાને ઉતરાણ કરવું જ પડે એમ હતું. ડૉ. એહમદ મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા. જેવું વિમાને નજીકના એક નાના એરપૉર્ટ પર ઉતરાણ કર્યું કે તરત જ ડૉક્ટર દોડતાં હેલ્પડેસ્ક પર પહોંચ્યા. ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી. જેટલું બને તેટલું ઝડપથી પોતાને કૉંફરંસમાં પહોંચવું પડે તેવું છે એ પણ કહ્યું. પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ કરી આપવાની એમણે વિનંતી કરી. એકાદ બે કલાકમાં જ કોઈ ફ્લાઈટ હોય તો વધારે સારું એવું ભાર દઈને જણાવ્યું. માફ કરજો સર !પેલી સ્ત્રીએ કહ્યું, ‘તમારે જ્યાં પહોંચવાનું છે એ શહેર તરફ જવા માટે આવતા દસ કલાક સુધી અહીંથી બીજી કોઈ પણ ફ્લાઈટ નથી. પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું. એરપોર્ટની બહારથી જ કાર ભાડે મળે છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસંસ હોય તો આરામથી ચારેક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. ટેક્સી કરતા એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે એ એક ખૂબ સારો વિકલ્પ છે !
ડોક્ટર એહમદને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું. એમના માટે આમેય હવે બહુ વિકલ્પ બચ્યા જ નહોતા. એમણે એક કાર ભાડે કરી લીધી. આમ તો લૉંગ ડ્રાઇવનો એમને ખૂબ કંટાળો આવતો પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો પણ નહોતો. એમના મનમાં ફરીથી એક વખત કૉન્ફરંસના વિચારો શરૂ થઈ ગયા. થોડીક ક્ષણો માટે દબાઈ ગયેલો એ રોમાંચ ફરીથી જાગૃત થઈ ગયો. લાંબા અંતરના ડ્રાઇવિંગ માટેનો કંટાળો ખંખેરીને ડૉક્ટરે કાર મારી મૂકી. પરંતુ એ દિવસે કુદરત પણ જાણે કે ડૉક્ટરની વિરુદ્ધમાં બરાબરનો જંગ માંડીને બેઠી હોય એવું લાગતું હતું. ડૉક્ટરે હજુ તો માંડ સોએક કિલોમિટર જ કાપ્યા હશે ત્યાં જ વાતાવરણમાં ભયંકર પલટો આવવાનું શરૂ થઈ ગયું. થોડીવારમાં જ અનરાધાર વરસાદ વરસ્વા માંડ્યો. એ વરસાદમાં વચ્ચે વચ્ચે બરફના કરા પણ પડતા હતા. ડૉક્ટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી. આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી. આગળના કાચમાં જામતું પોતાના જ ઉચ્છવાસની વરાળનું પડ એ મુશ્કેલીમાં ઓર વધારો કરતું હતું. વરસાદ ઓછો થવાને બદલે દરેક ક્ષણે વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ પકડતો જતો હતો. આટલો બધો ભયંકર વરસાદ, ધૂંધળો રસ્તો અને અજાણ્યો પ્રદેશ ! એ બધાને કારણે ડૉક્ટર એહમદ રસ્તો ભૂલી ગયા. એક જગ્યાએ જ્યાં વળવાનું હતું એ ટર્નનું સાઇન બોર્ડ એમને દેખાયું જ નહીં ! વળવાને બદલે એ આગળ નીકળી ગયા.
બીજા ત્રણેક કલાક ડ્રાઇવ કર્યા પછી વરસાદ તો ઓછો થયો પરંતુ ડૉક્ટરને શંકા ગઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે. પરંતુ હવે એ રસ્તે પાછા ફરતાં પહેલા થોડા આરામની તેમજ પેટમાં કંઈક નાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ ગઈ હતી. એ રસ્તો એવો નિર્જન હતો કે રસ્તાની બાજુમાં કોઈ ધાબા કે રેસ્ટોરંટ પણ દેખાતાં નહોતા. કોઈ ગામ જો દેખાય જાય તો એના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉક્ટર કાર ચલાવ્યે જતા હતા. ઘણા વખત સુધી કોઈ ગામ દેખાયું નહીં. હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો. હવે તો કૉંફરંસના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમની ઉત્સુકતા પણ મરી પરવારી હતી. બસ, હવે તો એકાદ ગામ દેખાઈ જાય તો ઊભા રહી જવું એ એક જ વિચાર એમને આવતો હતો. અચાનક રસ્તાની બાજુમાં આવેલા એક જર્જરિત મકાન પર એમનું ધ્યાન પડ્યું. દૂર ગામ પણ દેખાતું હતું. પરંતુ ડૉક્ટર એટલા થાક્યા હતા કે એ ઘર નજરે પડતાં જ એમનાથી બ્રેક લાગી ગઈ. કારમાંથી ઊતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજો અધૂકડો રાખીને એણે આ માણસ કોણ છે, ક્યાંથી આવે છે, શું કામથી આવે છે, એવું બધું પૂછ્યું. ડૉક્ટર એહમદે પોતે રસ્તો ભૂલી ગયા છે એ કહ્યું. ઘણા કલાકના ડ્રાઇવિંગથી પોતે ખૂબ જ થાક્યા છે એ પણ જણાવ્યું. ઘરમાં જો ટેલીફોન હોય તો પોતે ઉપયોગ કરવા માંગે છે એવું પણ કહ્યું. પોતાના ઘરમાં ટેલીફોન નથી તેમજ છેલ્લા 24 કલાકથી લાઇટ પણ નથી એવું જણાવીને એ સ્ત્રીએ ઘરનો દરવાજો ખોલી નાખ્યો. પછી કહ્યું, ‘જો ભાઈ ! તમારે ઉતાવળ ન હોય તો તમે ઘડીક અંદર આવી શકો છો અને વાંધો ન હોય તો મારે ત્યાં થોડુંક ખાઈને પછી આગળ વધજો ! તમારો ચહેરો જોતાં તમે ખૂબ જ થાક્યા હો એવું લાગે છે !

ડૉક્ટર એહમદે બે ક્ષણ વિચાર કર્યો. થાક અને ભૂખ તો લાગ્યાં જ હતાં. ઉપરાંત એ અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને મૂળ રસ્તે ફરીથી ચડવામાં કેટલો સમય લાગે એ પણ નક્કી નહોતું. એમણે એ વૃદ્ધ સ્ત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. હાથ-મોં ધોઈને ડૉક્ટર ડાઇનિંગ ટબલ પર નાસ્તાને ન્યાય આપવા બેઠા. આટલા થાક પછી ગરમ નાસ્તો અને ચા મળવાથી એમને ઘણું સારું લાગતું હતું.ભાઈ ! તમને વાંધો ન હોય તો હું પ્રાર્થના કરી લઉં ? મારી પ્રાર્થનાનો સમય થઈ ગયો છે !પેલી સ્ત્રીએ કહ્યું. ડૉક્ટરે હકારમાં માથું હલાવ્યું. ચાની ચૂસકી લેતાં લેતાં મીણબત્તીના ઝાંખા અજવાળામાં ડૉક્ટરે જોયું કે પેલી સ્ત્રી એક ઘોડિયાની બાજુમાં બેસીને પ્રાર્થના કરી રહી હતી. નવાઈની વાત એ હતી કે એકવાર પ્રાર્થના પૂરી થાય પછી એ સ્ત્રી ઊભી થવાને બદલે ફરીથી પ્રાર્થના શરૂ કરી દેતી હતી. વચ્ચે વચ્ચે એ ઘોડિયા સામે જોઈ લેતી હતી અને ક્યારેક તો પોતાનાં આંસુ પણ લૂછી લેતી હતી. ડૉક્ટરને થયું કે નક્કી આ સ્ત્રી કાંઈક તકલીફમાં છે. એનાં આંસુ કહી રહ્યાં હતાં કે તકલીફ સાદી નહીં પણ ગંભીર છે. કદાચ એને કોઈ મદદની જરૂર હોય અને પોતે ક્યાંય મદદરૂપ થઈ શકે તેમ હોય તો પોતે એ માટે તૈયાર છે એવું જણાવવા એણે કહ્યું, ‘બહેન ! જો તમને વાંધો ન હોય અને મારા જેવા અજાણ્યાને કહી શકતા હો તો હું તમારા દુ:ખ વિશે સાંભળવા અને બને તો મદદરૂપ થવા તૈયાર છું. હું જોઈ રહ્યો છું કે તમે કાંઈક મોટી તકલીફમાં લાગો છો.
પેલી સ્ત્રીએ થોડીવાર ડૉક્ટર સામે જોયું. પછી કહ્યું, ‘ભાઈ ! ઉપરવાળો મારી ઘણી પ્રાર્થનાઓ સાંભળે છે, પરંતુ ખબર નહીં આ વખતે મારી પ્રાર્થનામાં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે બસ, એક પ્રાર્થનાનો નથી તો એ જવાબ આપતો કે નથી કાંઈ રસ્તો બતાવતો. કદાચ મારી શ્રદ્ધામાં કાંઈક ખોટ હશે નહીંતર સાવ આવું તો ન જ બને !એટલું કહેતાં એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. બહેન !ડૉ. એહમદે કહ્યું, ‘તમને જો વાંધો ન હોય તો મને કહેશો કે એવી કઈ વાત છે જે તમને વારંવાર રડાવી દે છે ? એવું તો શું છે જે તમને એક પ્રાર્થના પછી તરત જ બીજી પ્રાર્થના કરાવડાવે છે ? શું હું તમને કોઈ રીતે ઉપયોગી થઈ શકું ખરો ?’ થોડી વાર એ સ્ત્રી ડૉ. એહમદ સામે જોઈ રહી. ડૉક્ટરના અવાજમાં રહેલી સાચી સહાનુભૂતિ એને સ્પર્શી ગઈ હતી. એણે વાત શરૂ કરી, ‘ભાઈ ! આ ઘોડિયામાં સૂતો છે એ મારો પૌત્ર છે. એનાં મા-બાપ થોડા સમય પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે. આ બાળકને એક એવા પ્રકારનું કેંસર છે કે આજુબાજુનાં શહેરોના કોઈપણ ડૉક્ટર એની સારવાર કરી શકે તેમ નથી. નજીકના એક મોટા શહેરના ડૉક્ટરે કહ્યું છે કે આ રોગની સારવાર અહીંયા શક્ય જ નથી, પરંતુ અહીંથી ખૂબ જ દૂર દેશના દક્ષિણ ભાગમાં એક ડૉક્ટર એવા છે જે આ કેંસરની સફળતાપૂર્વક સારવાર કરી શકે છે. પરંતુ ભાઈ ! હું એકલી, ઘરડી સ્ત્રી આટલા નાના માંદા બાળકને લઈને એમને શોધવા એટલે દૂર કઈ રીતે જાઉં ? એટલે હું રોજ ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે મને કોઈક રસ્તો બતાવે. પરંતુ ખબર નહીં મારી પ્રાર્થનાનો એ ક્યારે જવાબ આપશે ?’ ફરી એકવાર એ સ્ત્રીની આંખો છલકાઈ ગઈ.

તમને એ ડૉક્ટરનું નામ, સરનામુ કે બાળકના કેંસરનો પ્રકાર એવું કાંઈ ખબર છે ?’ ડૉક્ટરે પૂછ્યું. હા ભાઈ ! દીકરાની ફાઈલમાં એ ડૉક્ટરનું નામ તેમજ બીજી બધી વિગત લખી છે. ઊભા રહો, હું તમને એ જોઈને કહું.એ સ્ત્રીએ બાજુના ટેબલ પર પડેલી એના પૌત્રની ફાઇલ લઈને ખોલી. શું નામ છે એ ડૉક્ટરનું ?’ ડૉક્ટરે પૂછ્યું. ડૉક્ટર એહમદ ! એ ફલાણા શહેરમાં રહે છે !પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. ડૉક્ટરની બંને આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. એણે રડતાં રડતાં જ કહ્યું, ‘બહેન ! ખરેખર ઉપરવાળો ખૂબ મહાન છે. એણે વિમાનમાં ખોટકો ઊભો કર્યો, વાવાઝોડું મોકલ્યું, અનરાધાર વરસાદ વરસાવ્યો, મને રસ્તો પણ ભુલાવી દીધો. આ બધું એણે એટલા માટે કર્યું કે એ તમારી પ્રાર્થનાનો જવાબ જરા જુદી રીતે આપવા માંગતો હતો. એ તમને ડૉક્ટર એહમદ સુધી પહોંચાડવા રાજી નહોતો, કારણકે તમને કેટલી તકલીફ પડી શકે એ વાત એ બરાબર જાણતો હતો. એટલે જુઓ ! એ ડૉક્ટર એહમદને જ તમારી પાસે લઈ આવ્યો. બહેન ! હું જ છું એ દૉક્ટર એહમદ !’ પેલી સ્ત્રી રડતાં રડતાં બોલી, ‘હે ભગવાન ! તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે ! પ્રાર્થનાનો જવાબ આપવાની તારી રીત ખરેખર નિરાળી છે ! ડૉક્ટર એહમદ પણ આંખમાં આંસુ સાથે એ જ શબ્દ મનમાં બોલતા હતા...

Share This
Previous Post
Next Post