7 Mar 2013

સલાહ આપવા માટે ઉતાવળા નહીં થવાની સલાહ
                          - મોહમ્મદ માંકડ
હમણાં એક ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવામાં આવેલો કે, "એવી કઈ વસ્તુ છે કે જે કીમતી (માનવામાં આવતી) હોવા છતાં માણસ એનો ઉપયોગ પોતાના માટે નથી કરતો અને બીજાને એ ઉદારતાથી આપી દે છે?"
એનો જવાબ છે : શિખામણ, સલાહ.
જોકે હવે તો શિખામણ કે સલાહ પણ સહેલાઈથી મળવાનું બંધ થવાનું છે, કારણ કે એના માટે ફી લઈને સલાહ આપનાર એક વ્યાવસાયિક વર્ગ જ તૈયાર થઈ રહ્યો છે.
આમ છતાં હજુ આપણે ત્યાં નાના-મોટા, ગરીબ-પૈસાદાર કે વિદ્વાનથી લઈને મૂર્ખ ગણાતી કોઈ પણ વ્યક્તિ પાસે જેની છત છે, છૂટ છે એ વસ્તુ સલાહ, શિખામણ છે. દરેક પાસે એનો ભંડાર ભરેલો છે અને બીજાને એ આપવા માટે તેઓ ઉત્સુક જ હોય છે.
શિખામણ આપવાનંુ કામકાજ એવું છે કે શિખામણ આપનારને ગૌરવ થાય. સલાહ આપનારને પોતે ડાહ્યા હોવાનો સંતોષ થાય છે. ગમે તેવાં મુશ્કેલ કામ માટે પણ સલાહ આપવાનું તો સહેલું જ હોય છે. સારું ગાઈ ન શકનાર કેવી રીતે ગાવું એની સલાહ આપી શકે છે. સારું લખી ન શકનાર સારું લખવા બાબતમાં સલાહ અને માર્ગદર્શન પૂરું પાડી શકે છે. નબળી અને નાજુક તબિયત ધરાવનાર પણ તંદુરસ્ત વ્યક્તિને એની તબિયત માટે સલાહ આપી શકે છે.
અને આરોગ્ય બાબતમાં સલાહ આપનારો વર્ગ તો બીજા કોઈ પણ ક્ષેત્રમાં સલાહ આપનાર વર્ગ કરતાં આપણે ત્યાં ઘણો મોટો છે. આરોગ્ય બાબતમાં સલાહ આપનારનો ક્યારેય તૂટો પડે એવું નથી. કોઈને શરદી થઈ હોય કે ટાઇફોઇડ થયો હોય ડોસા-ડોસીથી લઈને યુવાન, પ્રૌઢ, સ્ત્રી-પુરુષ બધાં જ નિષ્ણાતની જેમ સલાહ આપવા માંડે છે ને કેટલીક વાર તો નિષ્ણાત ડોક્ટરની દવા નકામી છે અને ઘરગથ્થુ ઉપચારો જ આવા રોગમાં ઉપયોગી નીવડે છે એમ કહીને લોકો સલાહ આપવાનું શરૃ કરે છે, "બધું મૂકીને એક કામ કરો, સવાર-સાંજ અજમો ફાકો, નાસ લો, આદુંનો રસ લો, લીંબુ પીઓ, તમારે છાશ બહુ સારી, હરડે ત્રિફળા ચૂર્ણ જેવું તો બીજું એકેય અકસીર નથી." આરોગ્ય બાબતમાં આપણે ત્યાં આવી અનેક ચાલતી-ફરતી યુનિર્વિસટીઓ જેવા સલાહકારો હોય છે અને આવા જ્ઞાાની, અનુભવીઓને સલાહ આપવા માટે ક્યારેય ર્સિટફિકેટની જરૃર પડતી નથી.
એક ભાઈને પગે ખરજવું થયું હતું. એના અનેક ઉપચારો કરીને એ કંટાળ્યા. કોઈએ સલાહ આપી એલોપથીમાં એનો કોઈ ઇલાજ જ નથી. તમે કોઈ સારા વૈદ્યની દવા લો. એ ભાઈ સીધા એક વૈદ્યરાજ પાસે ગયા. વૈદ્યરાજે એક સંસ્કૃત શ્લોક ટાંકીને કહ્યું કે, "ચામડીનાં દર્દો ઉપર લીમડો અકસીર છે. સવાર-સાંજ લીમડાનો રસ પીઓ." પેલા ભાઈએ ઉપચાર શરૃ કર્યાે. ત્રીજા દિવસે એમનું મોં સૂઝીને માટલા જેવું થઈ ગયું.
હવે આમાં લીમડાનો દોષ હોઈ શકે જ નહીં, કારણ કે એલોપથીની દવાઓનું રિએક્શન આવે છે, પરંતુ આયુર્વેદની દવાઓનું રિએક્શન આવી શકતું જ નથી. જે કંઈ દોષ હતો એ પેલા ભાઈના શરીરનો હતો.
માત્ર આપણે ત્યાં જ આરોગ્ય કે બીજી કોઈ બાબતમાં શિખામણના 'બે શબ્દો' કહેવાવાળા છે એવું નથી, દુનિયાભરમાં એ ફેલાયેલા છે. અમેરિકાના જાણીતા હાસ્યલેખક આર્ટ બુકવાલ્ડે શિખામણ આપવાની બાબત ઉપર એક કટાક્ષ લેખ લખ્યો છે. એનો સાર આવો છે.
લેખકને એક વાર શરદી થઈ ગઈ. છીંક, ઉધરસ, નાક ગળવાનું ચાલુ થઈ ગયું. લેખકે એમની સેક્રેટરીને ફોન કર્યો કે તબિયત બરાબર નથી. ઓફિસે આવીશ નહીં શકાય.
"આજકાલ શરદીના વાયરા છે." સેક્રેટરીએ કહ્યું, "આપને ચોક્કસ આઠ કલાકવાળી શરદી ચોંટી છે."
લેખકને સેક્રેટરીની વાત સાચી લાગી. આઠ કલાકનો આરામ લેવાનું એમણે નક્કી કર્યું.
ત્યાં એમનાં બહેન મળવા આવ્યાં.
"આજકાલ શરદીના વાયરા છે, હું એની ઝપટમાં આવી ગયો છું. આઠ કલાક આરામ કરવો પડશે."
"તમને ખાતરી છે કે આ આઠ કલાકવાળી શરદી છે? કદાચ ચોવીસ કલાકવાળી પણ હોઈ શકે. હેરોલ્ડને ગયા અઠવાડિયે એવી જ શરદી થઈ હતી. તાવ છે?"
"થોડોક લાગે છે?"
"ત્યારે તો ચોવીસ કલાકની બલા વળગી! પ્રવાહી વધારે પ્રમાણમાં લીધા કરો અને એસ્પિરિન લો, મટી જશે."
લેખકની ઇચ્છા ચોવીસ કલાક પથારીમાં પડયા રહેવાની નહોતી, પરંતુ ચોવીસ કલાકની વળગેલી શરદી સામે બીજો કોઈ ઉપાય નહોતો.
દસ મિનિટ પછી બીજી બહેન આવી. "એડિથે મને કહ્યું કે તમને ચોવીસ કલાકવાળી શરદી ચોંટી છે."
"કદાચ હોય, કદાચ આઠ કલાકના આરામથી મટી પણ જાય."
"નાક છીંકવાથી લાલ થઈ ગયું છે?"
"હા. કેમ?"
"જો એવું હોય તો તમને અડતાલીસ કલાકવાળી વાયરસથી થતી શરદી વળગી છે."
"પણ મારી સેક્રેટરીએ તો આઠ કલાક..."
"આઠ કલાકની શરદી એ જુદી વસ્તુ છે, એમાં નાક લાલઘૂમ ન થઈ જાય. ચોવીસ કલાકવાળી શરદી આમ તો આઠ કલાકવાળી શરદી જેવી જ હોય, પણ એમાં ઉધરસ વધારે આવે. વાયરસથી થતી અડતાલીસ કલાકવાળી શરદીમાં છીંકો આવે, કફ થાય, પરસેવો વળે. હવે બે દિવસ પથારીમાંથી ઊઠશો જ નહીં."
"પણ હું બે દિવસ પથારીમાં રહી જ ન શકું."
"જુઓ, તમારે સાચી સલાહ માનવી જ ન હોય તો હવે પછી મને ક્યારેય પૂછશો જ નહીં."
મામલો ત્યાં જ અટકી ગયો હોત અને બે દિવસના આરામથી વાત પૂરી થઈ ગઈ હોત, પણ પેલી સેક્રેટરીએ લેખકના મિત્ર હીલીને વાત કરી કે લેખકને ફ્લૂ થવાથી લેખક ઓફિસે આવેલા નથી.
હીલીએ તરત જ ફોન કર્યો, "દોસ્ત, મને તારી ઘણી ચિંતા થાય છે. હવે બે અઠવાડિયાં સુધી તું ઊઠી નહીં શકે. આવી શરદી પાનખરમાં થઈ હોત તો છ દિવસમાં તું સાજો થઈ ગયો હોત, પણ આ શિયાળો છે અને શિયાળાની શરદી એમ જલદીથી મટતી નથી. ક્યારેક તો મહિનાઓ નીકળી જાય છે."
"પણ... ચોવીસ કલાકમાં મારી શરદી મટી જાય તો?"
તો તે ખતરનાક કહેવાય! માણસને એમ લાગે કે મારી શરદી મટી ગઈ, પણ એકાદ અઠવાડિયામાં તો એ વધુ જોરથી ત્રાટકે.
વાતને ફેલાતાં કંઈ વાર લાગે છે? બીજા મિત્ર એલ્ફિનનો ફોન આવ્યો- ટૂંકો અને મુદ્દાસર, "હીલીએ મને વાત કરી કે તને અસાધ્ય ન્યુમોનિયા થયો છે!"
આમ, એક સામાન્ય વાત ગમે ત્યાં સુધી પહોંચી શકે છે અને એ બાબતમાં સલાહ, શિખામણ આપવાવાળા પોતાની મરજીમાં આવે એવી સલાહ આપી છૂટે છે. એમને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ થાય છે- માનવું ન માનવું તમારી ઇચ્છા.
વ્યક્તિ બીમાર પડી હોય અને શિખામણ કે સલાહ સાંભળવામાંથી બચી ગઈ હોય એવા દાખલા બહુ ઓછા જોવા મળશે. સલાહ બાબતમાં કોઈકે લખ્યું છે કે વૃદ્ધાવસ્થામાં પોતાનાં સંતાનોની સલાહ સાંભળવી પડે એ વૃદ્ધો માટે સૌથી દુઃખદ ઘટના છે. યુવાન સલાહ આપનારે ખાસ ધ્યાન રાખવું કે વૃદ્ધો પાસે સલાહ આપવા જેવું ઘણું હોય છે એટલે એમને સલાહ આપવી નહીં.
વણમાગી સલાહ બધાને કડવી લાગે છે, એટલે માગ્યા વિના ક્યારેય સલાહ આપવી નહીં.
અને ક્યારેક તો માગ્યા પછી આપી હોય તોપણ હવેના જમાનામાં ઊલટું પડી શકે છે.
"તમારી સલાહ પ્રમાણે વકીલ રોક્યા, પણ એમણે બરાબર દલીલ જ ન કરી. ઓળખાણવાળા વકીલો જ બેદરકારી રાખે પછી કરવાનું શું?"
"તમારી સલાહ મુજબ જ પ્રવાસ ગોઠવ્યો હતો, પણ પ્રવાસ કંપનીએ તમારું જરાય માન ન જાળવ્યું."
એટલે જો તમને સલાહ આપવાની ટેવ હોય તોપણ બીજાનું ભલું કરવા માટે ઉત્સુકતાપૂર્વક એમાં કૂદી ન પડશો, આવી મારી સલાહ છે!


Share This
Previous Post
Next Post